Thursday, 3 April 2014

આપણા વિષે

આપણા વિષે

             ગરવી ગુજરાત નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને મૂળિયાં હોય તેમ પ્રજાને તેનાં પણ મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્ક્રુતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યકતિત્વ આવી પરંપરાથી ઘડાય છે તેમજ વિકસે છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો કોઇ એક સાંસકારિક વ્યકતિ તરીકે પોતાનું આગવું સ્થાન સિધ્ધ કરી શક્યું હોય તો તેની ઉપરોકત સંસ્કાર પરંપરાગતને કારણે. કોઇપણ મનુષ્યનો ચહેરો મહોરો , તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની મોટી ખાસિયતો, આ બધું આકસ્મિક હોતું નથી. તે એક સુદિર્ધ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. આ બધું આપણા ગુજરાતી માટે, આપણા સમાજ માટે, આપણા સમસ્ત ક્ષત્રિય માટે અને સાથે સાથે આપણા ક્ષત્રિય ઠાકોર, કે જે પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતો છે, આ બધાય માટેય આ સાચું છે. 
                    ભૌગોલિક દષ્ટિના પરિપેક્ષ્યમાં ગુજરાત રાજ્ય ભારત દેશના નકશામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અને આ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. ક્ષત્રિયોમાં પણ અનેકતામાં વિવિધતા સમાયેલી છે. કોઇ રાજપૂત, કોઇ ગરાસિયા તો કોઇ પાલવી દરબાર તો કોઇ પાલવી ઠાકોર, દરબાર, જાગીરદાર તો કોઇ પોતાને રજપૂત ના નામે ઓળખાવવા માટે વિશિષ્ટતા ધરાવે છે. આ બધામાં આ ગુજરાતી ક્ષત્રિયો પોત પોતાની આગવી કોઠાસૂઝ, સમજણ, હિત-અહિત તેમજ સારું-નરસું અને સુખી થવાના કિમિયા, ચતુરાઈ, ઉદ્યમ અને કરકસર,પોતાનું ચારીત્ર બળ વિગેરે માટે જાણીતી છે. ખડ્ગ ક્યારે ખેંચવું અને ઢાલ ક્યારે આડી કરવી તેનો પાક્કો અંદાજ આ સમગ્ર ક્ષત્રિય જાતિ સારી રીતે સમજે છે. કસુંબલ રંગની રસધારાઓ ઝીલીએ કે તુઅરત જ ગુર્જરવિરોના પોત પોતાના પાણીનો તાગ મળી જાય છે. પોતાની ધર્મવીરતા,  દયાવીરતા, દાનવીરતા,અને ક્ષમાવીરતા- આ ચાર પાયા પર આ ક્ષત્રિયોની ગુર્જરવીરતા અડોલ અને અડીખમ છે. આ ક્ષત્રિયોમાં આત્મગૌરવ, આત્મસન્માનની પોતાની આગવી ઓળખ છે. આ સમાજના નાનામાં નાના અને ગરીબમાં ગરીબથી માંડીને તવંગર તેમજ ભદ્ર સમાજજન સુધી એનો સેવાધર્મ વ્યાપેલો જોવા મળે છે. જેમ ગુજરાતમાં અનેક પ્રજાઓ આવીને ભળી ગઈ તેમ લડાયક કોમો ગુજરાતના હવામાનમાં સૌમ્ય અને શાંત બની રહી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવેલા ક્ષત્રિયોએ હિંસાના પ્રતિકરૂપ તલવારો તજી, પણ વીરની અહિંસાને પોતીકી કરી.અનેક પરદેશી આક્રમણકારીઓ સામે આ કોમોએ અણનમ રહીને પોતાની આગવી ઓળખને કાયમ માટે અકબન્ધ રાખી છે. 
            ગુજરાતના આ ક્ષત્રિયો પોતાની અસલિયતને-પોતાપણાને, એની અસ્મિતા પ્રગટ કરી પોતાની સાચી ઓળખ હમેશ માટે સુરક્ષિત રાખી છે. ક્ષત્રિયો પોત પોતાની પરંપરાઓ વટ,વ્યવહાર અને રીત રીવાજ તેમજ પોતાના ઠાઠમાઠ માટે અનાદીકાળથી સુપરિચિત છે. ભગવાન સોમનાથની રક્ષા કાજે વીર હમીરજી ગોહિલ ની સાથે સાથે જે તે સમયના ભીલ અને કોળી લોકોએ પણ પોતાના બલીદાનો આપીને પોતાના લોહીથી ભગવાન સોમનાથની રખેવાળી કરી છે. જે તે સમયના ભીલ રાજા વેગડાજી એ ભગવાન સોમનાથની સહાય કાજે પોતાની કુવરીને વીર હમીરજી ગોહીલ સાથે ગાન્ધર્વ વિવાહ કરી જગતના નાથ માટે પોતાના દિકરીની સાથે સાથે પોતાપોતાના રાજ્યની પરવા કર્યા વિના મોગલ આક્રમણકારીઓ સામે શહીદી વ્હોરી હમીરજી ની સાથે વીરતા પ્રાપ્ત કરી હતી. આ છે ઇતિહાસની વિવિધતા. 
            રાષ્ટ્રિય એકતા માટે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી દેશ માટે પોતાના રાજ્યની આહુતી આપી હતી. આજે જ્યારે સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આખો દેશ ઉજવણા કરી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજની આ ત્યાગની મૂર્તિને યાદ કરવામાં આપણો સમાજ કદાચ ઐતિહાસિક મૂલ્યોને ભૂલવા લાગ્યો હોય તેમ લાગે છે. આપણે આપણા ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરવામાં થાપ ખઈ ગયા છીએ. ૧૮૫૭ના વિપ્લવમાં સૌથી પહેલા ગુજરાતમાં ગુજરાતના ક્ષત્રિયોએ દેશની રક્ષા કાજે આહુતીઓ આપેલી છે. વડનગર, વિજાપુર અને ઈડરના ચાંડપ ના વિસ્તારના અનેક ક્ષત્રિય ઠાકોર યુવાનો એ બ્રીટીશ હકુમત સામે બંડ પોકારી શહીદીઓ વ્હોરી છે. તો મધ્ય ગુજરાતના સાણંદ તાલુકાના તેજપુર ગામના પ્રતાપજી ઠાકોર, ખેડા જીલ્લાના ખાનપુરના ઠાકોર જીવાજી, સિંગલાવના ગુલાબ રાજા, બાબર દેવા ઠાકોર વિગેરે એ સમાજને થતા અન્યાય સામે લડત આપી હતી. ખેરાલુ તાલુકાના ચાડા ગામના જેસંગજી ચૌહાણ વિગેરે એ આઝાદીના ચળવળમાં બ્રીટીશ હકુમતના અન્યાય સામે લડી દેશ કાજે શહિદીઓ વ્હોરી છે. પરંતુ સમાજશાસ્ત્રીઓ અને ઇતિહસકારોએ આવા શહિદોને બહારવટીયા તરેકે ખપાવીને આઝાદીના આ દિવડાઓને અપમાનિત કર્યા છે. આમ આ સમાજ પોતાની એકતા ન હોવાને કારણે વર્ષોથી અપમાનિત થતો આવ્યો છે. આ સમાજમાં એકતા, સંપ, સહકાર અને ભાઈચારાની ભાવનાનો અભાવ હોવાથી પોતાનો સામજિક , શૈક્ષણિક અને આર્થિક વિકાસ કરી શક્યો નથી. આજનો સમય સામાજિક ધૃવિકરણનો  હોવાથી હવે તમામે પોતાના મતભેદો અને વાડાઓને ભેદીને તેમાંથી બહાર આવવાનો સમય પાકી ગયો છે. એકતાથી સમાજને જોડી શકાય છે, એકતાથી સમાજના કુરીવાજો બંધ કરી શકાય છે, એકતાથી સમાજનો શૈક્ષણિક અને આર્થિક વિકાસ સાધે શકાય છે, એકતાથી નેતાગીરીનો જન્મ થઈ શકે છે, એકતાથી લોકોના દીલ જીતી શકાય છે, એકતાથી સમાજમાં સમરસતા આવી શકે છે,એકતાથી રાજ્ય જીતી શકાય છે અને એકતાથી દેશ જીતી શકાય છે અને એકતાથી રાજ્ય કરી શકાય છે. એકતામાં શકતિઓનો વાસ વાસ છે. એકતાથી સમગ્ર સમાજમાં સુખ અને સમૃદ્ધી લાવી શકાય છે.  

Conntec with us

IconIcon