Skip to main content

History

ઇતિહાસ

     ગુજરાતનો ઇતિહાસ પ્રમાણિત રીતે જોઇએ તો ચન્દ્રગુપ્ત મૌર્યના સમય પહેલાંથી આરંભાય છે. જૈન અનુશ્રુતિ એ પહેલાં ગુજરાતમાં અવંતિપતિ પાલક અને મગધના નંદ રાજાઓનું શાસન પ્રવર્ત્યું હોવાનું જણાવે છે. પરંતું એને ઐતિહાસિક પુરાવાનું સમર્થન મળ્યું નથી. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસને નીચે નુજબ કાળખંડોમાં વિભાજીત કરાયો છે. 
      ૧. મૌર્યકાળ :  મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના રાષ્ટ્રિય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્યગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં સુદર્શન નામે જળાશય ખોદાવ્યું હતું તેવું રાજા મહાક્ષત્રપ રુદ્રામાના જૂનાગઢ શૈલલેખમાંના વૃતાંત ઉપરથી જાણવા મળે છે. અશોક મૌર્યના રાષ્ટ્રિય યવનરાજ તુષાસ્ફે એ જળશયમાંથી નહેરો ખોદાવી હતી એવો ઉલ્લેખ પણ એમાં કરવામાં આવ્યો છે. મગધના મૌર્ય વંશના સ્થાપક  રાજા ચન્દ્રગુપ્ત લગભગ ઈ.પૂ.૩૨૨-૨૯૮ દરમ્યાન અને એમના પૌત્ર રાજા અશોક લગભગ ઈ.પૂ.૨૯૩-૨૩૭ ના સમય દરમ્યાન થઈ ગયા હોવાનું અનુમાન આ પરથી પડેલ છે. અશોકના પૌત્ર રાજા સંપ્રતિ નું શાસન ઈ.પૂ. ૨૨૯-૨૦૦ દરમ્યાન હોવાનું જૈન અનુશ્રુતિઓ ઉપરથી માલુમ પડે છે. 

       ૨. અનુ- મૌર્યકાળ :    મૌર્ય વંશ પછી  સત્તા પર આરુઢ થયેલા શુંગ વંશની રાજસત્તા ગુજરાતમાં પ્રવર્તી હોવાનું ઉપલબ્ધ નથી પરંતું ગન્ધારમાં સત્તારુઢ થયેલા ભારતીય યવન રાજાઓ પૈકી એઉક્રતિદ લગભગ ઈ.પૂ. ૨૬૫-ઈ.પૂ.૧૫૫ દરમ્યાન, મિનન્દર ઈ.પૂ.૧૫૫-૧૩૦ દરમ્યાન અને અપલદત્ત બીજા ઈ.પૂ.૧૧૫-૯૫ સુધી સત્તા ઉપર હતા તેવું તેમના સમય દરમ્યાનના ચાંદીના સિક્કાઓ ગુજરાતમાંથી મળેલા છે,તેના આધારે કહી શકાય છે.લાટના રાજા બલમિત્રે અર્થાત વિક્રમાદિત્યે ઉજ્જનમાં શકોનું શાસન હઠાવી માલવણ (વિક્રમ) સંવત પ્રવર્તાવ્યો એવી જૈ અનિશ્રુતિઓમાં ઉલ્લેખ છે. આ બધો સમય ગુજરાતમાં કોઇ પ્રબળ રાજ્યનું શાસન પ્રવર્ત્યું ન હોઇ , આ કાળને અનુ-મૌર્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. 

      ૩. શક ક્ષત્રપકાળ:  ઈસવીસનનો પ્રારંભ થયો એ અરસામાં પશ્ચિમ ભારતમાં શક જાતિના રાજાઓનું શાસન હતું. તેઓ રાજા મહાક્ષત્રપ કે રાજા ક્ષત્રપ એવાં રાજપદ ધરવતાં. ઘણીવાર રાજા મહાક્ષત્રપ તરીકે રાજા અને ક્ષત્રપ યુવરાજ સંયુકત શાસન કરતા ને બન્ને પોતાના સિક્કા પડાવતા, આ રાજાઓને " પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખવામાં આવે છે. કર્દમક કુળના શક ક્ષત્ર રાજા ચાષ્ટને સાતવાહન રાજા પાસેથી ક્ષત્રપોના ઘણા પ્રદેશો પાછા મેળવ્યાને ઈ.સ. ૭૮માં શક સંવંત પ્રવર્તાવ્યો.ચાષ્ટનના વંશજોએ શક વર્ષ ૨૨૬ સુધી શાસન કર્યું હતું. એ પછી રૂદ્રસિંહ બીજો, રુદ્રદામા બીજો, સિંહસેન અને સત્યસિંહના વંશજો સત્તારુઢ થયા. છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજા એ ઈ.સ.૪૧૫ સુધી રાજ્ય કર્યું. આ દરમ્યાન શક સંવતના ૧૫૪ વર્ષના અરસામાં પ્રાય: આભીર જાતિના રાજા ઈશ્વરદત્તે અને અંત ભાગમાં પ્રાય: મૈત્રક જાતિના રાજા શર્વે ક્ષત્રપ ઢબના સિક્કા પડાવ્યા હતા. 

     ૪.  ગુપ્તકાળ:  ઈ.સ.૪૧૫-૪૬૮ દરમ્યાન ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમારગુપ્ત મહિન્દ્રાદિત્ય,અને ત્યાર બાદ સ્કન્દગુપ્તના મૃત્યું પછી અહી ગુપ્ત શાસનનો અંત આવ્યો. 

      ૫. મૈત્રક કાળ :  મૈત્રકાળ ઈ.સ.૪૭૦ થી ૭૮૮ સુધી પ્રવર્તો હતો. આ કાળ દરમ્યાન ગુપ્ત રજની પડતી થતાં સેનાપતી ભટ્ટાર્કે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. જે મૈત્રક કુળનો હતો.આ કાળમાં ગ્રુહસેન , શિલાદિત્ય પહેલો, ધ્રુવસેન બીજો, વિગેરે રાજાઓ શાસન કરતા હતા. ૭૮૮ ના અરસામાં અરબ હુમલાએ મૈત્રક રાજ્યનો અંત આણ્યો. મૈત્રક કાળ દરમ્યાન સૌરાષ્ટમાં ગારુલકો, સૈંધવો સામંતો તરીકે સત્તા ધરાવતા હતા.દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટો, કટચ્ચુરીઓ,ચાહમાનો,ચાલુક્યો,અને રાષ્ટ્રકૂટોનાં  રાજ્યો હતાં. 

   ૬. અનુમૈત્રકકાળ :  અનુમૈત્રકાળના અંત પછી ઈ.સ.૭૮૮ થી ૯૪૨ ના અંતરાલ કાળ દરમ્યાન ગુજરાતમાં કોઇ સર્વોપરી સત્તા પ્રવર્તતી ન હોઇ, આ કાળને અનુમૈત્ર્ક કાળ તરીકે ઓળખવમાં આવે છે. 

    ૭. સોલંકી કાળ :  ગુજરાતના ઇતિહાસમાં સોલંકી કાળ સુવર્ણકાળ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી ) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી.(ઈ.સ.૯૪૨). પ્રાય: એના પિતા ગુર્જરદેશ (દક્ષિણ રાજસ્થાન) ના અધિપતિ હોઈ મૂળરાજે સત્યપૂર (સાંચોર) મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા પ્રસારી ત્યારથી "ગુર્જરદેશ" નામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડ્યું લાગે છે. સમય જતાં સોલંકી સત્તાના વિસ્તારની સાથે એ નામ હાલના સમસ્ત ગુજરતને લાગુ પડ્યું. મૂળરાજના પુત્ર ચામુંડરાજ પછી એના પુત્ર વલ્લભરાજ અને દુર્લભરાજ રાજા થયા. પછી ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો.(ઈ.સ.૧૦૨૨). એના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી લિંગના ટુકડા કર્યા. ભીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. મોઢેરાનું સૂર્યમંદિર એ અરસામાં બંધાયું.બીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડકનાયક નિમ્યો. એણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું. કચ્છ મંડલ સોલંકી રાજયની અંતર્ગત હતું. કર્ણદેવે નવસારી પ્રદેશ પર પોતાની આણ વર્તાવી.કવિ બિલ્હણે "કર્ણસુંદરી" નાટિકા રચી. કર્ણદેવે આશાપલ્લી જીતી એની પાસે કર્ણાવતી વસાવી. જયસિંહ (ઈ.સ.૧૦૯૪-૧૧૪૨) જે સિદ્ધરાજ તરીકે ખ્યાતિ પામ્યો તે સોલંકી વંશનો સહુથી લોકપ્રિય રાજવી છે. એણે સોરઠ પર આક્રમણ કરી ત્યાં પોતાની આણ વરતાવી. સોરઠમાં સિંહ સંવત પ્રચલિત થયો. સિદ્ધરાજે માળવા જીતી એના રાજા યશોવર્માને કેદ કર્યો. જયસિંહ "ત્રિભુવનગંડ", સિદ્ધચક્રવતી", "અવંતીનાથ" અને "બર્બરક જિષ્ણુ" તરીકે ખ્યાતિ પામ્યો. એણે પોતાની સત્તા સમસ્ત ગુજરાત ઉપરાંત માળવા, મેવાડ અને મારવાડ સુધી પ્રસારી સોલંકી રાજ્યને સામ્રાજ્યરૂપે વિકસાવ્યું.  રુદ્રમહાલય અને સહસ્ત્રલિંગ સરોવર એનાં ચિરંતન સ્મારક ગણાયાં. કુમારપાળ (ઈ.સ.૧૧૪૨-૧૧૭૨) પણ પ્રતાપી રાજવી હતો.  એણે શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજા અર્ણોરાજને પરાજય કર્યો. કોકનના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કરાવ્યો. કુમારપાળ જૈન ધર્મનો પ્રભાવક હતો. આચાર્ય હેમચન્દ્ર અને એમના શિષ્યોએ સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં વિદ્યા તથા સાહિત્યનો વિકાસ સાધ્યો. કુમારપાલનો ઉત્તરાધિકાર અજયપાલને પ્રાપ્ત થયો. એના પુત્ર મૂળરાજ બીજાએ આબુની તળેટીમાં મહમ્મદ ઘોરીએ મોકલેલી ફોજના હુમલાને પાછો હઠાવ્યો.ભીમદેવ બીજાએ ઈ.સ. ૧૧૭૮ થી ૧૨૪૨ સુધી લાંબુ રાજ્ય ભોગવ્યુ. પરંતુ ઈ.સ. ૧૨૧૦-૨૫ના ગાળા દરમ્યાન ચૌલુક્ય કુળના જયસિંહ બીજાએ પાટનગરની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા પ્રવર્તાવેલી. ધોળકાના રાણા વીરધવલ તથા એના મહામાત્ય વસ્તુપાલ તથ તેજપાલે  સોલંકી રાજયના સરંક્ષણમાં મહત્વનો ભાગ ભજવેલ. ઈ.સ. ૧૨૪૪માં મૂળરાજના વંશની સત્તા અસ્ત પામી. 


       હવે  વાઘેલા સોલંકી વંશનો વીસલદેવ જે ધોળકાનો રાણા હતો, તેણે ગુજરાતના મહારાજાધિરાજ તરીકેની સત્તા સંભાળી. એના વંશમાં કર્ણદેવ ઈ.સ. ૧૨૯૬માં ગાદીએ આવ્યો. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ઈ.સ. ૧૨૯૯માં ગુજરાત પર ચડાઈ કરી, કર્ણદેવ ભાગીને દખ્ખણમાં ચાલ્યો ગયો. લાગ મળતાં એણે પાછા ફરી સત્તા હસ્તગત કરી, પરંતુ ઈ.સ. ૧૩૦૪માં ખલજી ફોજે બીજી ચડાઈ કરી. એને ભગાડી ગુજરાત પર સલ્તનતની કાયમી હકૂમત સ્થાપી દીધી.


        સોલંકી કાળનાં અન્ય રાજ્યોમાં કચ્છનું જાડેજા રાજ્ય, સોરઠનું ચુડાસમા રાજ્ય ( જે રા'ખેંગાર પહેલાને સિદ્ધરાજ જયસિંહે હરાવેલો) , ધૂમલીનું જેઠવા રાજ્ય, સોમનાથ પાટણનું વાજા રાજ્ય, ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય અને લાટમાં બાસપે સ્થાપેલું ચાલુક્ય રાજ ખાસ નોંધપાત્ર છે. 

   
       સોલંકી કાળ દરમ્યાન હેમચન્દ્રાચાર્ય અને મહામાત્ય વસ્તુપાલ અને તેમના શિષ્યોએ વિવિધ સ્વરૂપોની અનેકાનેક કૃતિઓ રચી. એ વખતના રાજશસનોની ભાષા સંસ્કૃત હતી. લોકભાષા અપભ્રંશ હતી. ગૌર્જર અપભ્રંશમાંથી સમય જતાં ગુજરાતી ભાષાનો ઉદય થવા લાગ્યો. 

        દિલ્લી સલ્તનતો : ઈ.સ. ૧૨૯૭ થી ૧૩૦૪ દરમ્યાન દીલ્હીના સુલતાન અલાઉદ્દિને ગુજરાત જીત્યુ, ખલજી વંશનું શાસન ૧૭ વરસ રહ્યું. ૧૩૨૦માં તુગલુક વંશની સ્થાપના થઈ. તેના અનુગામી મહ્મ્મદશાહે જૂનાગઢના રા'ખેંગાર અને ઘોઘાના મોખડાજી ગોહિલને હરાવ્યા હતા. 

        
     ગુજરાતની સલ્તનત:  ગુજરાતના સુલતાનોનું રાજ્ય ૧૪૦૪ થી ૧૫૭૩ સુધી ટક્યું હતું.  જે ગુજરાતની સલ્તનત તરીકે ઓળખાય છે. આ સુલતાનો મૂળ રજપૂત હતા અને તેમણે ગુજરાતના રજપૂત રાજવી કુંટુંબો સાથે લગ્ન સંબંધ બાંધ્યા હતા. તેમણે ગુજરાતની આબાદીમાં ખૂબ રસ લીધો હતો. આ વંશના  કુલ ૧૪ સુલતાનો થઈ ગયા. આ વંશનો સ્થાપક મુજફ્ફરશાહ હતો. (૧૪૦૭-૧૪૧૧). તે પૈકી અહમદશાહ પહેલો, મહમૂદશાહ બેગડો અને બહાદુરશાહ ખુબ પરાક્રમી હતા. તેમનું રાજ્ય ખાનદેશ, માળવા, મેવાડ, મારવાડ અને ઉત્તર કોંકણ સુધી વિસ્તરેલું હતું. ૧૪૧૧માં અહમદખાન "અહમદશા" નામ ધરણ કરી ગાદીએ બેઠો. તેણે પાટણથી રાજધાની ખસેડી આશાવલ નજીક અમદાવાદ વસાવીને રાજધાની બનાવી. ઈડરના રાવ, તથા માળવાના સુલતાનો , ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ અને જૂનાગઢના રજપૂત રાજાઓને તેમજ બહમની સુલતાન અહમદશાહને હરાવ્યા હતા. તેણે ૧૪૧૫માં સિદ્ધપુરના  રુદ્રમાળનો નાશ કર્યો હતો. હિન્દુઓના મન્દિરો તોડવા માટે  તેણે ખાસ અધિકારી નિમ્યો હતો. તેણે હાથમતીને કિનારે પોતાના નામ ઉપરથી અહમદનગર -હાલનું હિંમતનગર વસાવ્યું હતું. તેના અનુગામીઓએ પાવાગઢના અને જૂનાગઢના કિલ્લાઓનો નાશ કર્યો હતો. 

  મુઘલકાળ : મુઘલ વંશે ૧૮૭ વરસ ગુજરાતમાં રાજ્ય જર્યું. અકબરે ૧૫૭૨-૭૩ દરમ્યાન ગુજરાત કબજે કર્યું હતું. ૧૭૦૭માં મુઘલ સત્તા નબળ પડવાથી મરાઠાઓના હૂમલા ચાલુ થયા. ત્યારબાદ ઈસ્ટ ઈંડિયા કંપની સ્થાપના કરી અંગ્રેજોએ મુઘલો તથા અન્ય રાજવીઓની સત્તાઓ હસ્તગત કરી. 


 ગુજરાતનાં દેશી રજવાડાં :   ભારતનાં કુલ ૫૬૨  દેશી રાજ્યોમાં સૌરાસ્ટ્ર સહિતના ગુજરાતમાં ૩૬૬ દેશી રાજ્યો હતાં. સૌરાસ્ટ્રના ૫૬૯૮૦ ચો.કી.મી.ના વિસ્તારમાં આશરે ૪૦ લાખાની વસ્તી અને નાના-મોટાં ૨૨૨ દેશી રાજ્યો આવેલાં હતાં. તેમાં જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર,મોરબી,ગોંડળ, વાંકાનેર અને રાજકોટ સલામીના અધિકારવાળાં મોટાં રાજ્યો હતાં. ૧૭ બીન સલામીવાળાં અને ૧૯૭ નાનાં  નાનાં  રાજ્યો હતાં. તળ ગુજરાતમાં ૧૭ પૂર્ણ અધિકાર ધરાવતાં દેશી રાજ્યો અને ૧૨૭ અર્ધ-અધિકારક્ષેત્રના તથા અધિકારક્ષેત્ર વગરના એકમો હતાં. રાજપીપળા, દેવગઢબારીયા, લુણાવાડા, છોટાઉદેપુર, વગેરે રાજ્યોના રાજાઓ ચૌહાણ, સોલંકી, સોસોદીયા, પરમાર અને ગોહિલ કુળના રજપૂતો હતા. વાડાસિનોર, ખંભાત, સચિન, રાધનપૂર, પાલણપૂર ના શાસકો મુસ્લિમો હતા. વડોદરા રાજ્ય ગાયકવાડ સરદારો હસ્તક હતું. ઈ.સ. ૧૮૧૮ થી ગુજરાતમાં બ્રીટીશ રાજ્યનો અમલ શરું થયો. બ્રીટીશ અમલ શરુ થવાથી રાજપૂત અને ગરાસિયાઓની સત્તાઓ છીનવાઈ ગઇ. 


   ૧૮૫૭નો વિપ્લવ :  ગુજરાતમાં અંગ્રેજ શાસન પ્રત્યે રોષ વધવાથી વિપ્લવની શરુઆત અમદાવદથી થઈ. તેની શરુઆત જૂન માસથી કરવામાં આવી હતી. જુલાઈમાં પંચમહાલના ગોધરા, દાહોદ અને ભીલ, કોળી તથા નાયક જાતિઓની મદદથી સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી. પરંતુ રેવાકાંઠાના પોલીટિકલ એજંટે તેમને હરાવીને ત્રાસ ગુજાર્યો. આ દરમ્યાન ખેરાળુ, પાટણ, ભીલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારો , ઠાકોરો વિગેરેએ બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસ અને જીવાજી ઠાકોરે મહીકાંઠા તથા ખેડા જીલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો. મુંડેઠીના ઠાકોર સુરજમલે ઈડરના રાજા સામે બળવો કર્યો. આ સમય દરમ્યાન કેટલાક બહારવટીયાઓએ પણ અંગ્રેજ હકૂમત સામે બગાવત કરી હતી. ૧૯૩૮-૩૯ દરમ્યાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડલો સ્થપાયાં. ઉત્ત્ર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતોની જમીન પરના હક્ક નાબૂદ કરી જુલમ ગુજાર્યો. તેથી ખેડૂતોએ જાન્યુઆરી ૧૯૩૮થી મહેસૂલ ભરવાનું બંધ કરી સત્યાગ્રહ શરુ કરી દરબારનો બહીષ્કાર કર્યો. આમ લગભગ ૧૦૦૦ હજાર વરસના ગુલામી અને અન્ધકાર યુગ બાદ ગુજરાતની પ્રજા ૧૫, ઓગસ્ટ-૧૯૪૭ ના રોજ ભારત અને પાકીસ્તાન બે સ્વતંત્ર રાજ્યોનો ઉદ્ ભવ  થવાથી સ્વતંત્ર બની. ૧ નવેમ્બર ૧૯૫૬ ના રોજ દ્વિભાષી મુમ્બઈની રચના થતાં ગુજરાત, સૌરાસ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તેમજ અલગ ગુજરાતની માગણી થવાથી  ૧લી મે ૧૯૬૦ના રોજથી અલગ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

Comments

Popular posts from this blog

આપણા વિષે

આપણા વિષે              ગરવી ગુજરાત નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને મૂળિયાં હોય તેમ પ્રજાને તેનાં પણ મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્ક્રુતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યકતિત્વ આવી પરંપરાથી ઘડાય છે તેમજ વિકસે છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો કોઇ એક સાંસકારિક વ્યકતિ તરીકે પોતાનું આગવું સ્થાન સિધ્ધ કરી શક્યું હોય તો તેની ઉપરોકત સંસ્કાર પરંપરાગતને કારણે. કોઇપણ મનુષ્યનો ચહેરો મહોરો , તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની મોટી ખાસિયતો, આ બધું આકસ્મિક હોતું નથી. તે એક સુદિર્ધ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. આ બધું આપણા ગુજરાતી માટે, આપણા સમાજ માટે, આપણા સમસ્ત ક્ષત્રિય માટે અને સાથે સાથે આપણા ક્ષત્રિય ઠાકોર, કે જે પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતો છે, આ બધાય માટેય આ સાચું છે.